કાશ્મીરના સપના જોતા આતંકી હાફિઝને પાકિસ્તાનની જનતાએ બરાબર પાઠ ભણાવ્યો, જાણો કેવી રીતે

પાકિસ્તાની મતદારોએ હાલમાં જ દેશમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ સમર્થિત અલ્લાહ ઓ અકબર તહરીક સહિત તમામ આતંકી અને પ્રતિબંધિત સમૂહોને નકારી નાખ્યાં.

કાશ્મીરના સપના જોતા આતંકી હાફિઝને પાકિસ્તાનની જનતાએ બરાબર પાઠ ભણાવ્યો, જાણો કેવી રીતે

ઈસ્લામાબાદ: પાકિસ્તાની મતદારોએ હાલમાં જ દેશમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ સમર્થિત અલ્લાહ ઓ અકબર તહરીક સહિત તમામ આતંકી અને પ્રતિબંધિત સમૂહોને નકારી નાખ્યાં. પાકિસ્તાન ચૂંટણી પંચે ચૂંટણીના જે પરિણામો જાહેરા કર્યાં તે મુજબ અલ્લાહ ઓ અકબર પાર્ટીના તમામ ઉમેદવારો ચૂંટણી હારી ગયાં. ચૂંટણીના પરિણામોથી માલુમ પડે છે કે પાર્ટીના ઉમેદવારોને કુલ મળીને માત્ર 1,71,441 મત મળ્યાં. જ્યારે દેશમાં 10 કરોડથી વધુ રજિસ્ટર્ડ મતદારો છે અને ચૂંટણીમાં 50 ટકાથી વધુ મતદાન થયું છે એટલે કે 5 કરોડથી વધુ મતો પડ્યાં. ઈમરાન ખાનની તહરીક એ ઈન્સાફે 270 બેઠકો પર ચૂંટણી લડી હતીં. જેમાંથી 116 બેઠકો જીતી લીધી અને સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી. 

એક પણ આતંકી જીત્યો નહીં
એક બાજુ આતંકી તહરીક એ લબ્બૈક પાકિસ્તાન (ટીએલપી)એ નેશનલ એસેમ્બલીની 150થી વધુ પ્રાંતીય સભાઓની 100થી વધુ બેઠકો પર ઉમેદવારો ઊભા કર્યા હતાં. તેના ઉમેદવારોને 21,91,679 મતો મળ્યાં. જો કે તેના બે ઉમેદવાર સિંધની પ્રાંતિય સભામાં ચૂંટાવવામાં સફળ રહ્યાં. નરમપંથી ઈસ્લામનો પ્રચાર કરી રહેલા પક્ષોએ મુત્તહિદા મજલિસ એ અમાલ પાકિસ્તાન (એમએમએપી) હેઠળ ચૂંટણી લડી હતી. 

ધાર્મિક નેતાઓને જનતાએ નકાર્યા
તેમને નેશનલ એસેમ્બલીમાં કુલ 13 સીટો મળી અને 25,30,452 મતો મળ્યાં. કુલ મતોને ધ્યાનમાં લેતા એમએમએપી પાંચમી સૌથી મોટી પાર્ટી છે. જ્યારે ટીએલપી છઠ્ઠા સ્થાને રહી. ચૂંટણી પંચના પરિણામો મુજબ જમાયત ઉલેમા એ ઈસ્લામ સામી (જેયુઆઈ-એસ)ને માત્ર 24,559 મતો મળ્યાં. ચૂંટણી લડનારા બીજા ધાર્મિક પક્ષોનું પ્રદર્શન ખરાબ રહ્યું. 

ચૂંટણી પંચે જણાવ્યું કે તહરીક એ લબ્બેક ઈસ્લામને 68022, મજલિસ એ વહદાત એ મુસ્લિમીન પાકિસ્તાનને 9606, સુન્ની ઈત્તેહાદ કાઉન્સિલને 5939 મતો મળ્યાં. આતંકીઓ સાથે સીધા જોડાયેલા સેંકડો લોકોના ચૂંટણી પ્રચાર કરવાને લઈને પાકિસ્તાને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મીડિયા, માનવાધિકાર સમૂહો અને નેતાઓની આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનના મતદારોએ આતંકીઓના પ્રતિબંધિત સમૂહો સાથે જોડાયેલા નેતાઓને ફગાવ્યાં અને મુખ્યપ્રવાહના રાજકારણમાં ભાગ બનવાની તેમની કોશિશો નિષ્ફળ બનાવી.

ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈને સૌથી વધુ 116 બેઠકો
પાકિસ્તાન ચૂંટણી પંચ તરફથી જારી કરવામાં આવેલા અંતિમ પરિણામો મુજબ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ) સામાન્ય ચૂંટણીમાં 116 બેઠકો હાંસલ કરીને સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. નેશનલ એસેમ્બલીની કુલ 270 બેઠકો માટે ચૂંટણી થઈ હતી. 25 જુલાઈના રોજ થયેલા મતદાન બાદ મતગણતરીમાં ધીમી ગતિએ ગણતરી અને ચૂંટણીમાં ધાંધલીના આરોપો વચ્ચે પંચે અંતિમ પરિણામોની જાહેરાત કરી નાખી. ચૂંટણી પંચને મતગણતરી કરાવવામાં બે દિવસથી વધુનો સમય લાગ્યો. 

પાકિસ્તાન ચૂંટણી પંચ (ઈસીપી) મુજબ સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલી માટે થયેલી ચૂંટણીમાં પીટીઆઈએ 116 બેઠકો જીતીને પોતાની સ્થિતિ મજબુત બનાવી છે. ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) 64 બેઠકો સાથે બીજા નંબરે જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીની પાકિસ્તાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) 42 બેઠકો સાથે ત્રીજા નંબરે છે. 

મુત્તાહિદા મજલિસ એ અમલ (એમએમએપી) 13 સીટો સાથે ચોથા નંબરે રહી. 13 અપક્ષ ઉમેદવારોએ પણ જીત મેળવી છે. જેમની ભૂમિકા મહત્વની રહેશે કારણ કે પીટીઆઈને કેન્દ્રમાં સત્તા બનાવવા માટે અન્યોના સમર્થનની જરૂર રહેશે. 

1,68,57,035 મતો સાથે પીટીઆઈ પહેલા નંબરે, 1,28,94,225 મતો સાથે પીએમએલ-એન બીજા નંબરે અને 68,94,296 મતો સાથે પીપીપી ત્રીજા નંબરે આવી છે. ચૂંટણી પંચે કહ્યું કે મતદારો અને તેમના દ્વારા કરાયેલા મતદાન મુજબ અપક્ષ ઉમેદવારો ચૌથા નંબરે આવ્યાં છે. તેમને કુલ 60,11,297 મતો મળ્યાં છે. જો કે ઈમરાન ખાન ભલે મોટી પાર્ટી બનીને ઉભરી આવી પરંતુ તેમને બહુમત માટે જરૂરી બેઠકો 137 મળી નથી આથી તેમણે ગઠબંધન કરીને સરકાર બનાવવી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news